દેશનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-એસ આજે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું. સ્પેસ સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા વિકસિત આ રોકેટને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ લોન્ચ કર્યું. આ રોકેટે સવારે 11.30 વાગ્યે ઉડાન ભરી હતી. આ રોકેટને પહેલા 15 નવેમ્બરે લોન્ચ કરવાનું હતું, પરંતુ ખરાબ હવામાનને કારણે તેને આજે લોન્ચ કરવામાં આવ્યું હતું.
જણાવી દઈએ કે સ્કાયરૂટ એરોસ્પેસના આ પ્રથમ મિશનનું નામ ‘પ્રારંભ’ આપવામાં આવ્યું છે, જેમાં ત્રણ કન્ઝ્યુમર પેલોડ છે. સ્કાયરૂટ માટે આ મિશનને એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે, કારણ કે તે એ 80 ટકા ટેક્નોલોજીને માન્યતા અપાવવામાં મદદ કરશે, જેનો ઉપયોગ વિક્રમ-1 ઓર્બિટલ વાહનમાં કરવામાં આવશે, જેને આવતા વર્ષે લોન્ચ કરવાની યોજના છે.
ઘણી કંપનીઓ બનાવી રહી છે સેટેલાઇટ અને રોકેટ
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું હતું કે સ્પેસ ટેક્નોલોજી અને ઈનોવેશનના ક્ષેત્રમાં કામ કરવા માટે 100 સ્ટાર્ટ-અપ્સે ઈસરો સાથે કરાર કર્યા છે. સોમનાથ ગુરુવારે બેંગલુરુ ટેક સમિટ-2022માં R&D – ઈનોવેશન ફોર ગ્લોબલ ઈમ્પૅક્ટ વિષય પર બોલી રહ્યા હતા.
આ દરમિયાન તેમણે કહ્યું કે 100માંથી લગભગ 10 કંપનીઓ એવી છે જે સેટેલાઇટ અને રોકેટ વિકસાવવામાં લાગેલી છે. દરમિયાન, તેમણે ચંદ્રયાન III વિશે જાણકારી આપતા કહ્યું કે તેને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે ઘણા એવા મિશન છે જેના પર ઈસરો અને અમેરિકન સ્પેસ એજન્સી નાસા સાથે મળીને કામ કરી રહ્યા છે.
જીવનના વિવિધ ક્ષેત્રોમાં સ્પેસ ટેક્નોલોજીના ઉપયોગ અંગે ચર્ચા કરતાં તેમણે જણાવ્યું હતું કે સ્પેસ મિશન માટે જે ટેક્નોલોજી અને ઇનોવેશન કરવામાં આવે છે, તેનો રોજિંદા જીવનમાં પણ અનેક રીતે ઉપયોગ થાય છે. ઘણા સ્ટાર્ટ-અપ આ પાસા પર વિશેષ રીતે કામ કરી રહ્યા છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે ISRO એ ભારત સરકારના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ અને સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયાઓમાં મહત્ત્વપૂર્ણ ભાગીદાર છે.