ઇન્ડોનેશિયાના બાલીમાં બે દિવસીય G-20 સમિટ બુધવારે સમાપ્ત થઈ. આ બે દિવસોમાં, વિશ્વભરના નેતાઓ વિકાસ અને શાંતિ પર ચર્ચા કરવા માટે બાલીમાં એકઠા થયા. આ સાથે ઈન્ડોનેશિયાએ આગામી એક વર્ષ માટે G-20નું પ્રમુખપદ ભારતને સોંપ્યું.
ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ સત્તાવાર રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને G-20નું અધ્યક્ષપદ સોંપ્યું. તેનું અધ્યક્ષપદ સ્વીકારતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ સમૂહનું અધ્યક્ષપદ સ્વીકારવું એ ભારતના દરેક નાગરિક માટે ગર્વની વાત છે. મોદીજીએ કહ્યું, અમે G-20ના દરેક સભ્ય દેશના પ્રયાસોથી તેને વૈશ્વિક કલ્યાણ માટે ફાયદાકારક બનાવીશું.
G-20 સભ્ય દેશોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત આ કાર્ય એવા સમયે ઉઠાવી રહ્યું છે જ્યારે વિશ્વ એક સાથે ભૌગોલિક-રાજકીય તણાવ, આર્થિક મંદી, ખાદ્યાન્ન અને ઉર્જાની વધતી કિંમતો અને કોરોનાની આડ અસરો સમસ્યાઓથી ઝઝૂમી રહ્યું છે. આવા સમયે દુનિયા જી-20 તરફ આશાની નજરે જોઈ રહી છે.
જી-20 દેશોનો જીડીપી સમગ્ર વિશ્વના 80 ટકાથી વધુ છે. વિશ્વનો 75 ટકા વેપાર આ 20 દેશોમાં થાય છે.